નકલી મીડિયા કર્મચારી બની મહિલાઓને બ્લેકમેલ કરી રૂ. 5 લાખની ખંડણી માગવાનો આરોપ
અમદાવાદ: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના મહિલા સેલ દ્વારા નકલી મીડિયા કર્મચારી બની મહિલાઓને બ્લેકમેલ કરી ખંડણી વસૂલવાના કથિત રેકેટની તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ રેકેટમાં શુભમ શાહ, સંકેત પ્રજાપતિ અને તેમના સાગરીતોની સંડોવણી હોવાનો આરોપ છે.
આરોપીઓ મીડિયા કર્મચારી હોવાની ખોટી ઓળખ ધારણ કરીને હોટલના રૂમમાં ગેરકાયદે પ્રવેશ કરતા અને મહિલાઓના ખાનગી વીડિયો ગુપ્ત રીતે ઉતારતા હોવાનો આક્ષેપ છે. ત્યારબાદ આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપીને મહિલાઓ પાસેથી રૂ. 5 લાખની ખંડણી માગવામાં આવતી હોવાની વિગતો સામે આવી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓ STAR NEWS 7 નામના બેનરનો ઉપયોગ કરીને પોતાની નકલી મીડિયા ઓળખ ઊભી કરતા હતા. આ ઓળખનો ઉપયોગ મહિલાઓને ડરાવવા અને ખંડણી માગવા માટે કરવામાં આવતો હોવાનો આરોપ છે.
પોલીસના જણાવ્યા મુજબ, શુભમ શાહ અને સંકેત પ્રજાપતિ સામે અગાઉ પણ ગુનાહિત કેસ નોંધાયેલા છે. વર્ષ 2023માં ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ખંડણીનો કેસ નોંધાયો હતો, જ્યારે સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં છેડતી સંબંધિત કેસ નોંધાયો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ભાવનગરના મહુવા સાથે સંકળાયેલા કેસનો પણ ઉલ્લેખ છે.
STAR NEWS 7ના નામે અગાઉ કરવામાં આવેલી કથિત ગેરકાયદે પ્રવૃત્તિઓ અંગેની ફરિયાદોની પણ તપાસ કરવામાં આવી રહી છે. મહિલા સેલ દ્વારા સમગ્ર રેકેટની વ્યાપક તપાસ હાથ ધરી અન્ય સંભવિત ભોગ બનેલી મહિલાઓ અને આ ગુનામાં સંડોવાયેલા અન્ય લોકોની વિગતો મેળવવાની દિશામાં કાર્યવાહી કરવામાં આવી રહી છે.