Investigation | ગુજરાતમાં ભારતનેટ ફેઝ-3: વહીવટી નિષ્ફળતા કે સંસ્થાકીય નિષ્ક્રિયતા?
ISP/TSP લાઇસન્સધારકોને બાકાત રાખવાથી લઈને રૂ. 4,700 કરોડના ટર્નઓવરની શરત સુધી, GFGNLની ટેન્ડર જોગવાઈઓની હાઈકોર્ટમાં તપાસ
અભિષેક પાંડેય | ગાંધીનગર
ટેન્ડરની શરતોનો બચાવ કરવા સરકારને હાઈકોર્ટમાં આપવી પડી સ્પષ્ટતા
ગુજરાતમાં ભારતનેટ ફેઝ-3ની ટેન્ડર પ્રક્રિયા હવે વહીવટી વિલંબ અને બિડ સબમિશનની છેલ્લી તારીખ વારંવાર લંબાવવાના મુદ્દાથી આગળ વધી કાનૂની વિવાદ સુધી પહોંચી છે. ટેન્ડરની પાત્રતા નક્કી કરતી શરતોને ગુજરાત હાઈકોર્ટમાં પડકારવામાં આવી છે. સુનાવણી દરમિયાન સરકાર તરફથી રજૂ કરવામાં આવેલી દલીલો અને બેન્ચ સમક્ષ મૂકવામાં આવેલા દસ્તાવેજોની પણ ઝીણવટભરી તપાસ થઈ હતી. એક સુનાવણી દરમિયાન ન્યાયમૂર્તિ નિખિલ એસ. કરિયેલે સરકારની રજૂઆત સામે નારાજગી વ્યક્ત કરતાં મૌખિક ટકોર કરી હતી, “Categorically fool us!”
સપ્ટેમ્બર 2026ના અંતિમ સપ્તાહમાં GTPL Hathway Limitedએ ગુજરાત ફાઇબર ગ્રિડ નેટવર્ક લિમિટેડ (GFGNL) દ્વારા બહાર પાડવામાં આવેલા સુધારેલા ટેન્ડરની કેટલીક શરતોને પડકારતી સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન નંબર 13907/2026 ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરી હતી. આ અરજીમાં ગુજરાત લાઇસન્સિંગ સર્વિસ એરિયા (LSA) હેઠળ કાર્યરત ISP/TSP લાઇસન્સધારકોને ટેન્ડરમાંથી બાકાત રાખવાની શરત, સરેરાશ વાર્ષિક રૂ. 4,700 કરોડના ટર્નઓવરની અનિવાર્યતા અને ઓછામાં ઓછા 30,000 કિલોમીટર ઓપ્ટિકલ ફાઇબર નેટવર્ક બનાવવાનો અનુભવ ધરાવવાની શરતને પડકારવામાં આવી છે.
આ વિવાદ માત્ર એક કંપનીની ટેન્ડરમાં ભાગ લેવાની પાત્રતા પૂરતો મર્યાદિત નથી. તેનાથી મોટો સવાલ ઊભો થયો છે કે રૂ. 5,631 કરોડના રાષ્ટ્રીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં આટલી કડક પાત્રતા શરતો શા માટે નક્કી કરવામાં આવી, જેના કારણે અનુભવી કંપનીઓનો મોટો વર્ગ સ્પર્ધામાંથી બહાર થઈ શકે છે? વર્ષ 2025ના પ્રથમ ટેન્ડરમાં નવ કંપનીઓએ ભાગ લીધો હતો. જ્યારે વર્ષ 2026ના સુધારેલા ટેન્ડરમાં નવી પાત્રતા શરતો પૂરી કરતી કંપનીઓની સંખ્યા ઘટીને આશરે બે રહી હોવાની માહિતી સામે આવી છે.
આ સમગ્ર ઘટનાક્રમને કારણે GFGNLની ટેન્ડર પ્રક્રિયા, તેના વહીવટી નિર્ણયો અને જાહેર ભંડોળના ઉપયોગ સામે ગંભીર સવાલો ઊભા થયા છે.
1. હાઈકોર્ટમાં તીખી ટકોર: બેન્ચે કેમ કહ્યું, “Categorically fool us!”?
ભારતનેટ ફેઝ-3 સંબંધિત આ અરજી ગુજરાત હાઈકોર્ટની ડિવિઝન બેન્ચ સમક્ષ સુનાવણી માટે આવી હતી. અરજદાર અને સરકાર વચ્ચે ટેન્ડરની શરતો, ત્યારબાદ કરવામાં આવેલા સુધારા અને આ નિર્ણયો પાછળના દસ્તાવેજી આધારને લઈને દલીલો થઈ હતી.
આ કેસની સુનાવણી કાર્યકારી મુખ્ય ન્યાયમૂર્તિ મનીષ રંજન પાઠક અને ન્યાયમૂર્તિ નિખિલ એસ. કરિયેલની બેન્ચ સમક્ષ થઈ હતી. અરજદાર તરફથી સિનિયર એડવોકેટ મિહિર ઠાકોર, ધવલ વ્યાસ અને ધ્રુવિન દોશની હાજર રહ્યા હતા. જ્યારે રાજ્ય સરકાર અને અન્ય પ્રતિવાદીઓ તરફથી એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી તથા સરકારી વકીલે રજૂઆત કરી હતી.
સુનાવણી દરમિયાન સરકારે ટેન્ડરમાં કરવામાં આવેલા ફેરફારો, ખરીદી પ્રક્રિયામાં થયેલા વિલંબ અને વિવાદાસ્પદ પાત્રતા શરતો અંગે પોતાની દલીલો રજૂ કરી હતી. સુનાવણીની ઉપલબ્ધ વિગતો મુજબ, સરકારની રજૂઆતથી અસંતોષ વ્યક્ત કરતાં ન્યાયમૂર્તિ કરિયેલે ટકોર કરી હતી, “Categorically fool us!”
ટેન્ડરની વિવાદાસ્પદ જોગવાઈઓ ઉમેરવા પાછળનો વહીવટી આધાર શું હતો અને આ નિર્ણયને સમર્થન આપતા દસ્તાવેજો ક્યાં છે, તે મુદ્દે બેન્ચે સવાલો કર્યા હતા. આ શરતો શા માટે ઉમેરવામાં આવી અને તેના નિર્ણય સાથે સંબંધિત દસ્તાવેજી આધાર ક્યાં ઉપલબ્ધ છે તે જાણવા અદાલતે પ્રયાસ કર્યો હતો.
સરકાર દ્વારા સીલબંધ કવરમાં રજૂ કરવામાં આવેલા દસ્તાવેજો પણ સુનાવણીનો હિસ્સો બન્યા હતા. અદાલતે સીલબંધ કવર ખોલાવી દસ્તાવેજો કોર્ટ માસ્ટરની કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો હતો. જોકે, વિવાદાસ્પદ જોગવાઈઓ ઉમેરવાના નિર્ણય પાછળનાં કારણો દર્શાવતા દસ્તાવેજો બેન્ચ સમક્ષ રજૂ થયા હતા કે નહીં તે સવાલ યથાવત્ રહ્યો હતો.
મૂળ સવાલ સ્પષ્ટ છે: જ્યારે સરકારી ટેન્ડરની પાત્રતા નક્કી કરતી મહત્ત્વપૂર્ણ શરતોમાં આટલા મોટા ફેરફાર કરવામાં આવે ત્યારે તેની પાછળ કયો વહીવટી નિર્ણય, ટેકનિકલ મૂલ્યાંકન કે નીતિગત આધાર હોય છે?
2. 24 સપ્ટેમ્બરથી 30 ઓક્ટોબર: હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન શું બન્યું?
સપ્ટેમ્બર 2026ના અંતિમ સપ્તાહથી આ કેસની સુનાવણી આગળ વધી હતી. હાઈકોર્ટના આદેશોમાં નોંધાયેલા ઘટનાક્રમ પરથી ટેન્ડરની શરતો સામેના વિવાદ અને તેને સમર્થન આપતા દસ્તાવેજોને લઈને કાનૂની કાર્યવાહી કેવી રીતે આગળ વધી તે જાણી શકાય છે.
24 સપ્ટેમ્બર 2026: આ દિવસે અરજી હાઈકોર્ટ સમક્ષ આવી ત્યારે ટેન્ડરની છેલ્લી તારીખ 25 સપ્ટેમ્બર નક્કી કરવામાં આવી હતી. પોતાની અરજીની ગંભીરતા અને વિશ્વસનીયતા દર્શાવવા અરજદારે સ્વૈચ્છિક રીતે કોર્ટમાં રૂ. 5 લાખ જમા કરાવવાની તૈયારી દર્શાવી હતી. સરકાર તરફથી રજૂ કરવામાં આવેલું સીલબંધ કવર ખોલવામાં આવ્યું હતું અને તેમાં રહેલા દસ્તાવેજો કોર્ટ માસ્ટરની કસ્ટડીમાં રાખવાનો આદેશ આપવામાં આવ્યો હતો. સુનાવણી દરમિયાન સરકારના વકીલે બેન્ચને જણાવ્યું હતું કે ટેન્ડરની સમયમર્યાદા વધારીને 28 સપ્ટેમ્બર કરવામાં આવી છે.
29 સપ્ટેમ્બર 2026: હાઈકોર્ટે પોતાના આદેશમાં નોંધ્યું હતું કે 28 સપ્ટેમ્બરની સુનાવણી છતાં વિવાદાસ્પદ જોગવાઈઓ ઉમેરવાના નિર્ણયને લગતા દસ્તાવેજો બેન્ચ સમક્ષ રજૂ કરવામાં આવ્યા નહોતા. નિર્ણય પાછળનો આધાર દર્શાવતા દસ્તાવેજો હજુ રેકોર્ડ પર ઉપલબ્ધ ન હોવાનું બેન્ચે નોંધ્યું હતું. ત્યારબાદ નોટિસ જારી કરવામાં આવી હતી. એડવોકેટ જનરલની વિનંતીથી કેસની આગામી સુનાવણી પછીની તારીખે રાખવામાં આવી હતી. સરકારી વકીલે કોર્ટને ખાતરી આપી હતી કે આગામી સુનાવણી સુધી ટેન્ડરની સમયમર્યાદા લંબાવવામાં આવશે.
7, 12 અને 15 ઓક્ટોબર 2026: આ તારીખોએ કેસની સુનાવણી ચાલુ રહી હતી અને તેને પાર્ટ-હર્ડ તરીકે નોંધવામાં આવ્યો હતો. અરજદાર તરફથી વધારાનું સોગંદનામું રજૂ કરવામાં આવ્યું હતું, જ્યારે પ્રતિવાદીઓએ પોતાના જવાબો રજૂ કર્યા હતા. અગાઉથી અમલમાં રહેલી વચગાળાની વ્યવસ્થા પણ ચાલુ રાખવામાં આવી હતી.
30 ઓક્ટોબર 2026: ડિવિઝન બેન્ચે આગામી સુનાવણી માટે 6 નવેમ્બર 2026ની તારીખ નક્કી કરી હતી. અગાઉ આપવામાં આવેલી વચગાળાની રાહત આગામી સુનાવણી સુધી ચાલુ રાખવાનો પણ આદેશ આપ્યો હતો.
આમ, ટેન્ડર વિવાદ હવે ન્યાયિક તપાસના મહત્ત્વપૂર્ણ તબક્કે પહોંચ્યો છે. અદાલત સમક્ષ માત્ર પાત્રતાની શરતો જ નહીં, પરંતુ આ શરતો નક્કી કરવા પાછળના વહીવટી નિર્ણયો અને તેને સમર્થન આપતા દસ્તાવેજો પણ તપાસના વિષય બન્યા છે.
3. ISP/TSP લાઇસન્સધારકોને ટેન્ડરમાંથી બાકાત રાખ્યા: કેન્દ્રની મંજૂરીમાં ઉલ્લેખ નહોતો તો GFGNLએ પ્રતિબંધ શા માટે મૂક્યો?
આ વિવાદનો એક મુખ્ય મુદ્દો સુધારેલા રિક્વેસ્ટ ફોર પ્રપોઝલ (RFP)માં સામેલ કરવામાં આવેલી એવી જોગવાઈ છે, જે ગુજરાત LSA હેઠળ કાર્યરત ISP/TSP લાઇસન્સ અથવા અધિકૃતતા (Authorisation) ધરાવતી કંપનીઓને ટેન્ડરમાં ભાગ લેતાં અટકાવે છે.
અરજદારનો દાવો છે કે GFGNLએ જૂન 2026માં બહાર પાડેલા સુધારેલા RFPમાં આ પ્રતિબંધ ઉમેર્યો હતો, જ્યારે અગાઉના નીતિગત દસ્તાવેજોમાં આવી કોઈ સ્પષ્ટ બાકાત રાખવાની જોગવાઈ નહોતી.
4 ઓગસ્ટ 2023ના રોજ કેન્દ્રીય કેબિનેટની મંજૂરી: કેન્દ્રીય કેબિનેટે 4 ઓગસ્ટ 2023ના રોજ એમેન્ડેડ ભારતનેટ પ્રોગ્રામ (ABP)ને મંજૂરી આપી હતી. અરજદારની દલીલ છે કે કેબિનેટની મંજૂરી સંબંધિત દસ્તાવેજોમાં ISP/TSP લાઇસન્સધારકોની કોઈ ચોક્કસ શ્રેણીને ટેન્ડરમાં ભાગ લેતાં રોકવાની શરતનો ઉલ્લેખ નહોતો.
આથી મહત્ત્વનો સવાલ ઊભો થાય છે કે કેન્દ્ર સ્તરે મંજૂર થયેલા કાર્યક્રમમાં આવી બાકાત રાખવાની જોગવાઈ નહોતી તો ગુજરાતના ભારતનેટ ફેઝ-3ના ટેન્ડરમાં આ પ્રતિબંધ કયા આધારે ઉમેરવામાં આવ્યો?
10 જુલાઈ 2026નું Addendum: અરજદારના જણાવ્યા મુજબ, જૂન 2026માં યોજાયેલી પ્રી-બિડ મીટિંગ દરમિયાન સંભવિત બિડર્સે ISP/TSP પરના પ્રતિબંધ સામે વાંધા ઉઠાવ્યા હતા. ત્યારબાદ 10 જુલાઈ 2026ના રોજ મૂળ કરારમાં એક Addendum બહાર પાડવામાં આવ્યું હતું. તેમાં Schedule-II, Part-B, Paragraph 1.13 હેઠળ સંબંધિત જોગવાઈ ઉમેરવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
આ ઘટનાક્રમ વધુ એક સવાલ ઊભો કરે છે. ટેન્ડર બહાર પડી ગયા પછી અને સંભવિત બિડર્સ દ્વારા વાંધા ઉઠાવવામાં આવ્યા બાદ મૂળ કરારમાં Addendum ઉમેરવાની જરૂર કેમ પડી? શું ISP/TSP લાઇસન્સધારકોને બાકાત રાખવાની શરત શરૂઆતથી જ સ્થાપિત નીતિનો ભાગ હતી કે પછી ટેન્ડર પ્રક્રિયા દરમિયાન ઉમેરવામાં આવી હતી?
આ મુદ્દો એટલા માટે મહત્ત્વનો છે કે ISP/TSP લાઇસન્સધારકોને બાકાત રાખવાથી ટેલિકોમ્યુનિકેશન અને ઇન્ટરનેટ સર્વિસ ક્ષેત્રમાં પહેલેથી કાર્યરત કંપનીઓ ટેન્ડરની સ્પર્ધામાંથી બહાર થઈ શકે છે. પરિણામે સ્પર્ધાનું ક્ષેત્ર મર્યાદિત થવાની શક્યતા ઊભી થાય છે.
4. રૂ. 1,200 કરોડથી સીધો રૂ. 4,700 કરોડનો ટર્નઓવર: આટલી મોટી છલાંગ શા માટે?
વિવાદનો બીજો મોટો મુદ્દો ટેન્ડરની નાણાકીય પાત્રતા (Financial Eligibility Criteria) સાથે જોડાયેલો છે.
વર્ષ 2025માં બહાર પાડવામાં આવેલા પ્રથમ ટેન્ડરમાં એક પેકેજ માટે સરેરાશ વાર્ષિક ટર્નઓવરની લઘુત્તમ મર્યાદા આશરે રૂ. 1,200 કરોડ હતી. જ્યારે વર્ષ 2026ના સુધારેલા ટેન્ડરમાં ત્રણ વર્ષના સરેરાશના આધારે આ મર્યાદા વધારીને રૂ. 4,700 કરોડ કરવામાં આવી હતી.
આ વધારો અગાઉની મર્યાદા કરતાં લગભગ ચાર ગણો છે. સમગ્ર પ્રોજેક્ટની કિંમત રૂ. 5,631 કરોડ હોવાની સ્થિતિમાં સરેરાશ વાર્ષિક રૂ. 4,700 કરોડના ટર્નઓવરની શરત અત્યંત ઊંચી નાણાકીય પાત્રતા ઊભી કરે છે.
કેન્દ્રીય નાણાં મંત્રાલયની Manual for Procurement of Goodsમાં પણ પાત્રતાના માપદંડો કોન્ટ્રાક્ટના કદ, સ્વરૂપ અને જોખમને અનુરૂપ હોવા જોઈએ તેવો અભિગમ અપનાવવામાં આવ્યો છે. આ સંદર્ભમાં સવાલ એ છે કે રૂ. 4,700 કરોડની ટર્નઓવરની મર્યાદા નક્કી કરવા માટે GFGNLએ કયા નાણાકીય અને ટેકનિકલ મૂલ્યાંકનનો આધાર લીધો હતો?
શું પ્રોજેક્ટની વાસ્તવિક જરૂરિયાતો માટે આટલી ઊંચી નાણાકીય ક્ષમતા અનિવાર્ય હતી? શું ઓછું ટર્નઓવર ધરાવતી અનુભવી કંપનીઓ આ કામ કરવા સક્ષમ નહોતી? અને શું સુધારેલા માપદંડને કારણે બજારમાં પહેલેથી કાર્યરત જાણીતી કંપનીઓ સ્પર્ધામાંથી બહાર થઈ ગઈ?
30,000 કિલોમીટરના OFC નેટવર્કના નિર્માણનો અનુભવ પણ અનિવાર્ય
સુધારેલા ટેન્ડરમાં બિડર્સ માટે ઓછામાં ઓછા 30,000 કિલોમીટરનું ઓપ્ટિકલ ફાઇબર કેબલ (OFC) નેટવર્ક બનાવવાનો અનુભવ હોવો અથવા રૂ. 1,200 કરોડની કિંમતનાં સંબંધિત કામો પૂર્ણ કરવાનો અનુભવ હોવો પણ જરૂરી બનાવવામાં આવ્યો છે.
ટર્નઓવર અને ટેકનિકલ અનુભવની આ બંને શરતોને સાથે જોવામાં આવે તો ટેન્ડર માટે પાત્ર બની શકે તેવી કંપનીઓનો વ્યાપ નોંધપાત્ર રીતે મર્યાદિત થાય છે.
આટલા ઊંચા માપદંડ નક્કી કરવા પાછળ GFGNLએ કયું ચોક્કસ ટેકનિકલ મૂલ્યાંકન અને ટેન્ડર સંબંધિત કયો આધાર લીધો હતો તે તપાસનો વિષય છે.
5. વર્ષ 2025માં નવ બિડર્સ, વર્ષ 2026માં માત્ર બે: સ્પર્ધા આટલી મર્યાદિત કેવી રીતે થઈ?
આ વિવાદનો સૌથી મહત્ત્વપૂર્ણ મુદ્દો ટેન્ડરમાં ભાગ લેવા સક્ષમ કંપનીઓની સંખ્યામાં થયેલો ઘટાડો છે.
વર્ષ 2025નું પ્રથમ ટેન્ડર: GFGNL દ્વારા બહાર પાડવામાં આવેલા પ્રથમ ટેન્ડરમાં નવ કંપનીઓએ ભાગ લીધો હતો. તેમાં ટેલિકોમ્યુનિકેશન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને નેટવર્ક નિર્માણ ક્ષેત્રે કાર્યરત કંપનીઓનો સમાવેશ થતો હતો. આ ભાગીદારી દર્શાવતી હતી કે પ્રોજેક્ટ માટે સ્પર્ધાનું ક્ષેત્ર વ્યાપક હતું.
વર્ષ 2026નું સુધારેલું ટેન્ડર: ઉપલબ્ધ માહિતી મુજબ, સુધારેલા ટેન્ડરની નવી નાણાકીય અને ટેકનિકલ પાત્રતા શરતો પૂરી કરતી કંપનીઓની સંખ્યા ઘટીને માત્ર બે રહી છે. લાર્સન એન્ડ ટુબ્રો (L&T) અને NCC Limitedને આ માપદંડો પૂર્ણ કરતી કંપનીઓમાં સામેલ ગણાવવામાં આવી રહી છે.
નવ કંપનીઓમાંથી માત્ર બે કંપનીઓ સુધી સ્પર્ધા મર્યાદિત થવાની સ્થિતિ અનેક સવાલો ઊભા કરે છે. પાત્રતાનું માળખું આટલું કડક કેવી રીતે બન્યું? શરતોમાં ફેરફાર કરતાં પહેલાં GFGNLએ બજારમાં કાર્યરત કેટલી કંપનીઓ આ માપદંડોને કારણે બહાર થઈ શકે તેનું મૂલ્યાંકન કર્યું હતું?
જાહેર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટના કોન્ટ્રાક્ટ માટે સ્પર્ધા મર્યાદિત સંખ્યાના બિડર્સ સુધી સીમિત થાય ત્યારે તેની સીધી અસર યોગ્ય ભાવ નક્કી કરવાની પ્રક્રિયા (Price Discovery) અને જાહેર ખરીદીની પારદર્શિતા પર પડી શકે છે. પાત્રતા ધરાવતા વધુ બિડર્સ હોય તો સરકારી એજન્સીને સ્પર્ધાત્મક ભાવ અને સારી સેવાઓ મેળવવાની વધુ તક મળે છે.
આથી આ મુદ્દો માત્ર કેટલીક કંપનીઓના વ્યાપારી હિત પૂરતો મર્યાદિત નથી. તે પ્રોજેક્ટના ખર્ચ અને જાહેર ભંડોળના યોગ્ય ઉપયોગ સાથે પણ જોડાયેલો છે.
6. જૂના નેટવર્કની જાળવણી પાછળ દર ત્રણ મહિને રૂ. 32 કરોડનો ખર્ચ: વિલંબનો બોજ કોણ ઉઠાવે છે?
ભારતનેટ ફેઝ-3ની ટેન્ડર પ્રક્રિયા અને અમલીકરણમાં થતા વિલંબની નાણાકીય કિંમત પણ ચૂકવવી પડી રહી છે. નવું ટેન્ડર અમલમાં આવે ત્યાં સુધી ગુજરાત સરકારને હાલના ભારતનેટ ફેઝ-2 નેટવર્કની કામગીરી અને જાળવણીનો ખર્ચ ઉઠાવવો પડે છે.
સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, ગુજરાતમાં ફેઝ-2 નેટવર્કના ઓપરેશન અને મેન્ટેનન્સ (O&M) પાછળ દર ત્રણ મહિને આશરે રૂ. 32 કરોડનો ખર્ચ થઈ રહ્યો છે. આ રકમમાં ITI Limited અને GTPLને કરવામાં આવતી ચુકવણીનો પણ સમાવેશ થાય છે.
આ હિસાબે જૂના નેટવર્કની જાળવણી પાછળ દરરોજ સરેરાશ રૂ. 35 લાખથી વધુનો ખર્ચ થઈ રહ્યો છે. નવો પ્રોજેક્ટ હજુ અમલીકરણની રાહ જોઈ રહ્યો છે ત્યારે જૂના માળખાને કાર્યરત રાખવા માટે આ સતત થતો ખર્ચ છે.
સરકારના વકીલે કોર્ટમાં દરરોજ રૂ. 15 લાખના નુકસાનનો ઉલ્લેખ કર્યો
હાઈકોર્ટની સુનાવણી દરમિયાન સરકાર તરફથી રજૂઆત કરતાં વકીલે દરરોજ આશરે રૂ. 15 લાખના નુકસાનનો ઉલ્લેખ કર્યો હતો. આ આંકડો મહત્ત્વનો છે, કારણ કે તેના કારણે પ્રોજેક્ટના વિલંબની નાણાકીય અસરનો મુદ્દો પણ ન્યાયિક કાર્યવાહીના રેકોર્ડમાં આવ્યો છે.
ખર્ચમાં વધારા સહિતનો સંયુક્ત બોજ દરરોજ રૂ. 50 લાખ હોવાનો અંદાજ
એક વર્ષથી વધુના વિલંબને કારણે ઓપ્ટિકલ ફાઇબર કેબલ, રાઉટર્સ, હાર્ડવેર અને લોજિસ્ટિક્સના ખર્ચમાં પણ વધારો થયો હોવાની બાબત સામે આવી છે. નાણાકીય નિષ્ણાતોના મૂલ્યાંકન મુજબ, હાલના નેટવર્કની જાળવણી પાછળનો ખર્ચ અને નવા પ્રોજેક્ટના ખર્ચમાં થયેલા વધારાની સંયુક્ત અસર રાજ્ય પર દરરોજ આશરે રૂ. 50 લાખનો નાણાકીય બોજ ઊભો કરી રહી હોવાનો અંદાજ છે.
આમ, વિલંબ માત્ર સમય ગુમાવવાની બાબત નથી. તેની સીધી અસર સરકારી ખર્ચ અને જાહેર સંસાધનોના ઉપયોગ પર પણ પડી રહી છે.
જો ભારતનેટ ફેઝ-3 માટે કેન્દ્ર સરકાર તરફથી રૂ. 5,631 કરોડની નાણાકીય સહાય ફાળવવામાં આવી છે તો ટેન્ડર પ્રક્રિયા વારંવારના વિલંબ અને વિવાદાસ્પદ વહીવટી નિર્ણયોમાં કેમ અટવાઈ છે? જૂના નેટવર્ક પાછળ સતત થતો ખર્ચ અને નવા પ્રોજેક્ટના ખર્ચમાં વધારા માટે જવાબદારી કોની છે?
ગ્રામીણ વિસ્તારોમાં ડિજિટલ કનેક્ટિવિટી સુધારવાના હેતુથી શરૂ કરવામાં આવેલા પ્રોજેક્ટમાં તેના અમલીકરણના વિલંબને કારણે સરકારી તિજોરી પર સતત ખર્ચનો બોજ પડવો ગંભીર બાબત છે.
7. હાઈકોર્ટ સમક્ષ સવાલો: જવાબદારી આખરે કોની?
ગુજરાતમાં ભારતનેટ ફેઝ-3ની ટેન્ડર પ્રક્રિયા સામે હવે અનેક ગંભીર સવાલો ઊભા થયા છે. ટેન્ડરની પાત્રતા નક્કી કરતી શરતોમાં મોટા ફેરફારો થયા છે. ISP/TSP લાઇસન્સધારકોને બાકાત રાખવામાં આવ્યા છે, ટર્નઓવરની મર્યાદા આશરે રૂ. 1,200 કરોડથી વધારીને રૂ. 4,700 કરોડ કરવામાં આવી છે અને બિડર્સ માટે 30,000 કિલોમીટરનું OFC નેટવર્ક બનાવવાનો અનુભવ અનિવાર્ય બનાવવામાં આવ્યો છે.
આ ફેરફારો બાદ ઉપલબ્ધ માહિતી મુજબ વર્ષ 2025ના ટેન્ડરમાં ભાગ લેનારી નવ કંપનીઓની સામે સુધારેલી પ્રક્રિયામાં પાત્રતા ધરાવતી કંપનીઓની સંખ્યા ઘટીને બે રહી છે. બીજી તરફ, જૂના નેટવર્કની કામગીરી અને જાળવણી પાછળ દર ત્રણ મહિને આશરે રૂ. 32 કરોડનો ખર્ચ થઈ રહ્યો છે. વિલંબની નાણાકીય અસરોનો મુદ્દો પણ હાઈકોર્ટની સુનાવણી દરમિયાન સામે આવ્યો છે.
સુનાવણી દરમિયાન બેન્ચની મૌખિક ટકોર “Categorically fool us!” દર્શાવે છે કે રજૂ કરવામાં આવેલી દલીલો અને નિર્ણયના દસ્તાવેજી આધાર અંગે ગંભીર સવાલો ઊભા થયા હતા. અદાલતે વિવાદાસ્પદ જોગવાઈઓ પાછળનો વહીવટી આધાર અને તેને સમર્થન આપતા દસ્તાવેજો માગ્યા છે. આ કેસની આગામી સુનાવણી 6 નવેમ્બર 2026ના રોજ નિર્ધારિત કરવામાં આવી છે.
હવે સવાલ માત્ર એટલો નથી કે ટેન્ડરની શરતો કોણે તૈયાર કરી હતી. સવાલ એ છે કે આ શરતો પાછળનો વહીવટી અને ટેકનિકલ આધાર શું હતો? નવ કંપનીઓની ભાગીદારી ધરાવતું ટેન્ડર માત્ર બે પાત્ર કંપનીઓ સુધી કેવી રીતે સીમિત થયું? અને ટેન્ડર પ્રક્રિયામાં વિલંબને કારણે રાજ્યએ જૂના નેટવર્ક પાછળ સતત ખર્ચ કેમ ઉઠાવવો પડી રહ્યો છે?
જ્યારે જાહેર ભંડોળથી ચાલતા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટને લગતા નિર્ણયો બંધારણીય અદાલત સમક્ષ પડકારાય છે ત્યારે પારદર્શિતા અને વહીવટી જવાબદારીનું મહત્ત્વ અનેકગણું વધી જાય છે.
જવાબ માગતા પાંચ મહત્ત્વપૂર્ણ સવાલ
1. જો 4 ઓગસ્ટ 2023ની કેન્દ્રીય કેબિનેટની મંજૂરીમાં ISP/TSP લાઇસન્સધારકોને બાકાત રાખવાની સ્પષ્ટ શરત નહોતી તો GFGNLએ આ પ્રતિબંધ કયા આધારે ઉમેર્યો?
2. ટર્નઓવરની મર્યાદા આશરે રૂ. 1,200 કરોડથી વધારીને રૂ. 4,700 કરોડ કરવાની અને 30,000 કિલોમીટરના OFC નેટવર્કના નિર્માણનો અનુભવ ફરજિયાત કરવાની મંજૂરી કોણે આપી હતી? આ માપદંડો પાછળ કયું ટેકનિકલ અને નાણાકીય મૂલ્યાંકન હતું?
3. વર્ષ 2025ના ટેન્ડરમાં નવ કંપનીઓએ ભાગ લીધો હતો, જ્યારે સુધારેલા ટેન્ડરમાં નવી પાત્રતા શરતો પૂરી કરતી કંપનીઓની સંખ્યા માત્ર બે હોવાનું સામે આવ્યું છે. શું નવી શરતોની અસર સ્પર્ધાને મર્યાદિત કરવામાં થઈ છે?
4. ફેઝ-3 પ્રોજેક્ટ વિલંબમાં છે ત્યારે જૂના ભારતનેટ ફેઝ-2 નેટવર્કની જાળવણી પાછળ દર ત્રણ મહિને આશરે રૂ. 32 કરોડના ખર્ચ માટે જવાબદાર કોણ છે?
5. વિવાદાસ્પદ પાત્રતા શરતો નક્કી કરવા પાછળના વહીવટી નિર્ણયો, ટેકનિકલ મૂલ્યાંકન અને તેને સમર્થન આપતા દસ્તાવેજો GFGNL તથા ગુજરાત સરકાર જાહેર કરશે?
તપાસ ચાલુ છે…
Reference: Amended BharatNet Programme (ABP), Phase-3, Gujarat.
Case Reference: GTPL Hathway Limited v. GFGNL and others, Special Civil Application No. 13907/2026, Gujarat High Court.
Read in English : Episode 3: Questions Mount Over GFGNL’s BharatNet Tender
Discourse / 1
Episode 4: નવ બિડ છતાં ટેન્ડર રદ, એક વર્ષનો વિલંબ કોના કારણે? – ગુજરાત એક્સક્લૂઝિવ
નવેમ્બર 8, 2026 at 1:31 પી એમ(pm)
[…] નહીં રાખવા બ્રિટિશ મંત્રીઓને સલાહ ઇન્વેસ્ટિગેશન: Episode 3: ભારતનેટ ટેન્ડર વિ… ઇન્વેસ્ટિગેશન: Episode 2: એકજ ટેન્ડરમાં 22 […]