GE Author
Published: ઓક્ટોબર 23, 2026
Read: 1 min
In: ગુજરાત

ગાંધીનગર: ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા 23 ઑક્ટોબર, 2026ના રોજ જાહેર કરાયેલા નોટિફિકેશન અનુસાર, રાજ્યમાં 17 IAS અધિકારીઓની બદલી, નવી નિયુક્તિ અને વધારાની જવાબદારીઓ સોંપવામાં આવી છે. આ વહીવટી ફેરફારમાં આણંદ અને વાવ-થરાદના કલેક્ટર સહિત વિવિધ જિલ્લા વિકાસ અધિકારીઓ (DDO) અને વિભાગીય અધિકારીઓની જવાબદારીઓમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

આલોક કુમાર પાંડે (IAS, 2006), જેઓ હાલમાં સચિવ, આદિજાતિ વિકાસ વિભાગ તરીકે ફરજ બજાવે છે, તેમને રાહત કમિશનર અને મહેસૂલ વિભાગનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. જી. ટી. પંડ્યા (IAS, 2011)ની અધિક સચિવ, શિક્ષણ વિભાગમાંથી બદલી કરીને માહિતી નિયામક, ગાંધીનગર તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. ગૌરાંગભાઈ એચ. મકવાણા (IAS, 2012), જેઓ ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ (UGVCL), મહેસાણાના મેનેજિંગ ડિરેક્ટર છે, તેમને INDEXT-Bના મેનેજિંગ ડિરેક્ટરનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે.

મહેસાણાના કલેક્ટર એસ. કે. પ્રજાપતિ (IAS, 2012)ની બદલી અધિક ગ્રામ વિકાસ કમિશનર, ગાંધીનગર તરીકે કરવામાં આવી છે. તેમના સ્થાને ગૃહ વિભાગમાં કાયદો અને વ્યવસ્થાના અધિક સચિવ તરીકે ફરજ બજાવતા ડૉ. હર્ષિત પૃથ્વીરાજ ગોસાવી (IAS, 2013)ને મહેસાણાના કલેક્ટર બનાવવામાં આવ્યા છે.

આણંદના કલેક્ટર પ્રવીણ ચૌધરી (IAS, 2014)ની બદલી ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન (SIR) અને માંડલ-બેચરાજી SIRના વિશેષ પ્રોજેક્ટના મુખ્ય કાર્યકારી અધિકારી (CEO), ગાંધીનગર તરીકે કરવામાં આવી છે. બનાસકાંઠાના જિલ્લા વિકાસ અધિકારી એમ. જે. દવે (IAS, 2014)ને વાવ-થરાદના કલેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જ્યારે કચ્છના જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ (IAS, 2018)ને આણંદના કલેક્ટર બનાવવામાં આવ્યા છે.

અન્ય નિયુક્તિઓમાં, સરદાર પટેલ લોકપ્રશાસન સંસ્થા (SPIPA), અમદાવાદના નાયબ મહાનિર્દેશક સી. સી. કોટક (IAS, 2018)ને રાજ્ય ગ્રામ વિકાસ સંસ્થા (SIRD), અમદાવાદના વિશેષ નિયામક બનાવવામાં આવ્યા છે. તાપીના જિલ્લા વિકાસ અધિકારી રામ નિવાસ બુગાલિયા (IAS, 2019)ની બદલી બનાસકાંઠાના જિલ્લા વિકાસ અધિકારી તરીકે કરવામાં આવી છે. વલસાડના જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોત (IAS, 2019)ને કચ્છના જિલ્લા વિકાસ અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

છોટાઉદેપુરના જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર (IAS, 2019)ની બદલી ગૃહ વિભાગમાં કાયદો અને વ્યવસ્થા માટેના નાયબ સચિવ તરીકે કરવામાં આવી છે. મહીસાગરમાં આદિજાતિ વિસ્તાર પેટા યોજના હેઠળ પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર તરીકે ફરજ બજાવતાં વંદના મીના (IAS, 2022)ને વલસાડના જિલ્લા વિકાસ અધિકારી બનાવવામાં આવ્યાં છે. તાપી જિલ્લાના સોનગઢ ખાતે પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર તરીકે ફરજ બજાવતા રાજેશ કુમાર મૌર્ય (IAS, 2022)ને અમરેલીના જિલ્લા વિકાસ અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

નવસારી જિલ્લાના વાંસદા ખાતે પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર તરીકે ફરજ બજાવતા સ્વપ્નિલ મહાદેવ સિસલે (IAS, 2022)ને તાપીના જિલ્લા વિકાસ અધિકારી બનાવવામાં આવ્યા છે. છોટાઉદેપુર ખાતે પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર તરીકે ફરજ બજાવતા ઓમકાર રાજેન્દ્ર શિંદે (IAS, 2022)ને છોટાઉદેપુરના જિલ્લા વિકાસ અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

ગુજરાત ગેસ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર બી. એન. પટેલ (IAS, 2022)ની નિયુક્તિ સ્પોર્ટ્સ ઓથોરિટી ઑફ ગુજરાતના ડિરેક્ટર જનરલ તરીકે કરવામાં આવી છે. આ નિયુક્તિઓ સાથે રાજ્યના સચિવાલય, જિલ્લા વહીવટીતંત્ર અને વિવિધ વિભાગોમાં મહત્વપૂર્ણ હોદ્દાઓની જવાબદારીઓમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

You may be interested

Join the Discourse

Read in English
SKINS 12 EDITIONS
ACCENT COLOR
TYPOGRAPHY SYSTEM