ભારત-અમેરિકા ટ્રેડ ડીલ અંતિમ તબક્કામાં હોવાનો અમેરિકી વિદેશ મંત્રીનો સંકેત
મુંબઈ: બે દિવસના ભારતના સત્તાવાર પ્રવાસે પત્ની સાથે આવેલા અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ મુંબઈમાં ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર તેમજ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચેના વ્યૂહાત્મક સંબંધો, દ્વિપક્ષીય વેપાર અને લાંબા સમયથી ચર્ચામાં રહેલી પ્રસ્તાવિત ટ્રેડ ડીલ અંગે ગહન ચર્ચા થઈ હતી.
ભારત-અમેરિકા વેપાર કરાર બહુ જલ્દી: માર્કો રુબિયો
પ્રસ્તાવિત દ્વિપક્ષીય વેપાર સમજૂતી અંગે આશાવાદ વ્યક્ત કરતાં રુબિયોએ જણાવ્યું કે, બંને દેશો આ ઐતિહાસિક ડીલની ખૂબ નજીક પહોંચી ગયા છે. માત્ર અમુક નાના-મોટા મુદ્દાઓ ઉકેલવાના બાકી છે. ટૂંક સમયમાં જ બંને દેશો વચ્ચે નક્કર સમજૂતી આકાર લેશે અને ટૂંક સમયમાં આ અંગે સત્તાવાર જાહેરાત સાથે હસ્તાક્ષર કરવામાં આવે તેવી પૂરી શક્યતા છે.
26/11ના શહીદોને શ્રદ્ધાંજલિ અને વ્યૂહાત્મક સંબંધો પર ભાર
ગેટવે ઓફ ઈન્ડિયાની મુલાકાત બાદ રુબિયોએ તાજ હોટલ સ્થિત 26/11 મેમોરિયલ ખાતે આતંકી હુમલાના પીડિતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે મીડિયા સાથે વાતચીતમાં તેમણે ભારતને અમેરિકાનો અનિવાર્ય વૈશ્વિક સાથી ગણાવતા કહ્યું:
– વૈશ્વિક ભાગીદારી: વિશ્વની સૌથી મોટી લોકશાહી અને સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ ભારત, અમેરિકા માટે મુખ્ય વાણિજ્યિક તેમજ સંરક્ષણ ભાગીદાર છે.
–
– નિયમિત ઉચ્ચ સ્તરીય સંવાદ: બંને દેશો વચ્ચે સતત વધતી વાટાઘાટો જરૂરી છે. ભૂતકાળમાં અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ, વાણિજ્ય સચિવ અને FBI ડાયરેક્ટર ભારતની મુલાકાતે આવી ચૂક્યા છે, જે આ સંબંધોની ઊંડાણ દર્શાવે છે.
જામનગરમાં રિલાયન્સ રિફાઇનરીની મુલાકાત લેશે
મુંબઈ ખાતેના સત્તાવાર કાર્યક્રમો પૂર્ણ કર્યા બાદ માર્કો રુબિયો ગુજરાતના પ્રવાસે જશે. જામનગર ખાતે તેઓ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સંચાલિત વિશ્વના સૌથી મોટા ઓઇલ રિફાઇનરી કોમ્પ્લેક્સની પ્રત્યક્ષ મુલાકાત લઈને ઊર્જા ક્ષેત્રે સહયોગની સંભાવનાઓ ચકાસશે.