અમદાવાદમાં ₹25.71 કરોડના ડ્રગ્સ સાથે દિલ્હી-યુપીના ત્રણ આરોપી ઝડપાયા, અફઘાનિસ્તાનથી ડ્રોન મારફતે હેરોઈન પહોંચાડાતું હોવાનો ખુલાસો
ચોકલેટ અને એનર્જી ડ્રિન્ક્સનાં પેકિંગમાં છુપાવેલું 4.53 કિલો હેરોઈન અને 2.49 કિલો મેફેડ્રોન જપ્ત, દોઢ વર્ષની વોચ બાદ અમદાવાદ અને સુરત ક્રાઈમ બ્રાન્ચનું સંયુક્ત ઓપરેશન
અમદાવાદ: ગુજરાતમાં ડ્રગ્સની હેરાફેરી સામે કાર્યવાહી કરતાં અમદાવાદ અને સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્ક સાથે સંકળાયેલા ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર રામોલ ટોલ પ્લાઝા નજીક કરવામાં આવેલી કાર્યવાહીમાં પોલીસે આરોપીઓની કારમાંથી ₹25.65 કરોડથી વધુની કિંમતનું હેરોઈન અને મેફેડ્રોન સહિત કુલ ₹25.71 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, હેરોઈનનો જથ્થો ચોકલેટ અને એનર્જી ડ્રિન્ક્સનાં પેકિંગમાં છુપાવવામાં આવ્યો હતો.
પ્રાથમિક તપાસમાં હેરોઈનનો જથ્થો અફઘાનિસ્તાનથી ડ્રોન મારફતે સરહદ પાર કરીને દિલ્હી પહોંચાડવામાં આવતો હોવાની વિગતો સામે આવી છે. જ્યારે મેફેડ્રોનનો જથ્થો રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાંથી મેળવવામાં આવતો હોવાની પોલીસને માહિતી મળી છે. આ નેટવર્કનાં અન્ય રાજ્યોમાં ફેલાયેલાં જોડાણો, નાણાકીય વ્યવહારો, ક્રિપ્ટોકરન્સી મારફતે થતી લેવડદેવડ અને નાર્કો-ટેરરિઝમના સંભવિત એંગલની તપાસ કરવામાં આવી રહી છે.
દોઢ વર્ષની વોચ બાદ સંયુક્ત ઓપરેશન
પોલીસના જણાવ્યા અનુસાર, સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ અગાઉના એક ડ્રગ્સ કેસની તપાસ દરમિયાન મોટા જથ્થામાં નશીલા પદાર્થોની હેરાફેરી કરતા નેટવર્ક સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી હતી. આ તપાસના આધારે છેલ્લા દોઢ વર્ષથી શંકાસ્પદ ગેંગની ગતિવિધિઓ પર નજર રાખવામાં આવી રહી હતી.
21 ઓક્ટોબરે સુરત ક્રાઈમ બ્રાન્ચને ચોક્કસ બાતમી મળી હતી કે ગેંગના સભ્યો મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો લઈને અમદાવાદ તરફ આવી રહ્યા છે. આ માહિતીના આધારે સુરત ક્રાઈમ બ્રાન્ચે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ સાથે સંકલન સાધ્યું હતું. ત્યારબાદ અલગ-અલગ ટીમો બનાવી શંકાસ્પદ કારની હિલચાલ પર નજર રાખવામાં આવી હતી.
બાતમી મુજબની SUV કાર અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પરથી પસાર થતાં રામોલ ટોલ પ્લાઝા નજીક તેને આંતરી લેવામાં આવી હતી. કારમાં સવાર ત્રણેય આરોપીઓને ઝડપી લઈ તપાસ કરતાં ડ્રગ્સનો મોટો જથ્થો મળી આવ્યો હતો.
₹25.65 કરોડનું હેરોઈન અને મેફેડ્રોન જપ્ત
પોલીસે આપેલી વિગતો અનુસાર, આરોપીઓ પાસેથી નીચે મુજબનો નશીલો પદાર્થોનો જથ્થો મળી આવ્યો છે.
- હેરોઈન: 4 કિલો 531 ગ્રામ 220 મિલિગ્રામ, અંદાજિત આંતરરાષ્ટ્રીય બજાર કિંમત ₹22,65,61,000.
- મેફેડ્રોન (MD): 2 કિલો 497 ગ્રામ 870 મિલિગ્રામ, અંદાજિત કિંમત ₹2,99,74,440.
- મોબાઈલ ફોન: છ નંગ, કિંમત ₹80,000.
- રોકડ રકમ: ₹83,900.
- કાર: અંદાજિત કિંમત ₹5 લાખ.
- અન્ય સામગ્રી: વાહનની RC બુક અને ડાયરી.
પોલીસના જણાવ્યા અનુસાર, જપ્ત કરાયેલા હેરોઈન અને મેફેડ્રોનની કુલ કિંમત ₹25,65,35,440 થાય છે. અન્ય મુદ્દામાલ સહિત કુલ ₹25,71,99,340નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
ચોકલેટ અને એનર્જી ડ્રિન્ક્સનાં પેકિંગમાં છુપાવ્યું હતું હેરોઈન
પોલીસે જણાવ્યું હતું કે આરોપીઓએ કારમાં ડ્રગ્સનો જથ્થો ચોકલેટ અને એનર્જી ડ્રિન્ક્સનાં પેકિંગમાં એવી રીતે છુપાવ્યો હતો કે સામાન્ય તપાસ દરમિયાન તે સરળતાથી નજરે ન પડે. FSLની મદદથી તપાસ કરતાં હેરોઈન અને મેફેડ્રોનનો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર, અગાઉ આ નેટવર્ક નાના જથ્થામાં ડ્રગ્સની હેરાફેરી માટે યુવતીઓ, પરિવારના સભ્યો અને સગીર વયનાં બાળકોનો ઉપયોગ કરતું હતું. આ રીતે મુખ્ય આરોપીઓ પોતે સીધી હેરાફેરીમાં સામેલ થવાનું ટાળતા હતા. જોકે, આ વખતે છથી સાત સ્થળોએ ડ્રગ્સની ડિલિવરી કરવાની હોવાથી મુખ્ય આરોપીઓ પોતે જ જથ્થો લઈને નીકળ્યા હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
પોલીસના દાવા મુજબ, ચેકિંગથી બચવા માટે આરોપીઓએ સવારે 10 વાગ્યાનો સમય પસંદ કર્યો હતો, જેથી સામાન્ય ટ્રાફિકની અવરજવર વચ્ચે તેઓ પોલીસની નજરથી બચી શકે.
મુખ્ય આરોપી સામે અગાઉ પણ NDPSના ગંભીર કેસ
આ કેસમાં પકડાયેલા ત્રણ આરોપીઓની ઓળખ કફીલઅહેમદ ઉર્ફે જાવેદ વકીલઅહેમદ અંસારી (ઉંમર 59), તિફલે નૌખેઝ મોહમદ યુસુફ (ઉંમર 44) અને મોહમ્મદ ઈમરાન ઉર્ફે રાજા મોહમ્મદ યુનુસ અલવી (ઉંમર 42) તરીકે થઈ છે. પોલીસના જણાવ્યા અનુસાર, ત્રણેય આરોપીઓ દિલ્હી અને ઉત્તર પ્રદેશ સાથે સંબંધ ધરાવે છે.
પોલીસે કફીલ અહેમદ ઉર્ફે જાવેદને આ નેટવર્કનો મુખ્ય સૂત્રધાર ગણાવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, તેની સામે અગાઉ નશીલા પદાર્થોની હેરાફેરીના અનેક કેસ નોંધાયા છે અને અલગ-અલગ કેસોમાં તેને કુલ 45 વર્ષની સજા થઈ ચૂકી છે.
તપાસની વિગતો મુજબ, વર્ષ 2014માં જયપુરમાં 18 કિલો ચરસ સાથે પકડાયેલા કેસમાં તેને 15 વર્ષની સજા થઈ હતી. વર્ષ 2015માં જયપુર ATS દ્વારા ત્રણ કિલો અલ્પ્રાઝોલમ સાથે પકડાયેલા કેસમાં 20 વર્ષની સજા થઈ હતી. આ ઉપરાંત ગુજરાત NCBના કેસમાં તેને 10 વર્ષની સજા થઈ હોવાનું પોલીસે જણાવ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર, તે લગભગ 10 વર્ષ જેલમાં રહ્યા બાદ હાલમાં જામીન પર બહાર હતો.
પોલીસે એવો પણ દાવો કર્યો છે કે કફીલ અહેમદ અફઘાનિસ્તાનના રહેમતગુલ નામના શખસ પાસેથી હેરોઈન મેળવતો હતો. આ કનેક્શનની વધુ તપાસ કરવામાં આવી રહી છે.
બીજો આરોપી તિફલે નૌખેઝ પણ અગાઉ હેરોઈનની હેરાફેરીના કેસોમાં પકડાયો હોવાનું પોલીસનું કહેવું છે. પોલીસના જણાવ્યા અનુસાર, વર્ષ 2014માં અમૃતસર નજીક, વર્ષ 2019માં દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ દ્વારા 330 કિલો હેરોઈનના કેસમાં અને વર્ષ 2021માં 54 કિલો હેરોઈનના કેસમાં તેની સંડોવણી સામે આવી હતી.
ત્રીજો આરોપી મોહમ્મદ ઈમરાન ઉર્ફે રાજા કારમાં ડ્રગ્સનો જથ્થો છુપાવવાની વ્યવસ્થા કરતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
સુરક્ષા એજન્સીઓથી બચવા માટે ખાસ એપનો ઉપયોગ
પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓ સુરક્ષા એજન્સીઓની નજરથી બચવા અને તેમની વાતચીતને ઇન્ટરસેપ્ટ થતી અટકાવવા માટે ‘જાંગી’ એપનો ઉપયોગ કરતા હતા. આ માધ્યમથી તેઓ એકબીજા સાથે સંપર્કમાં રહેતા હતા કે નહીં અને નેટવર્કના અન્ય સભ્યો પણ આ એપનો ઉપયોગ કરતા હતા કે નહીં, તેની તપાસ કરવામાં આવી રહી છે.
પોલીસને મળેલી માહિતી મુજબ, હેરોઈન અફઘાનિસ્તાનથી ડ્રોન મારફતે સરહદ પાર કરાવી દિલ્હી પહોંચાડવામાં આવતું હતું. ત્યારબાદ તેને અલગ-અલગ રાજ્યોમાં સપ્લાય કરવામાં આવતું હતું. મેફેડ્રોનનો જથ્થો રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાંથી મેળવવામાં આવતો હોવાની વિગતો પણ સામે આવી છે.
દિલ્હીથી મહારાષ્ટ્ર સુધી નેટવર્કનાં જોડાણોની તપાસ
પોલીસના જણાવ્યા અનુસાર, આ નેટવર્કનાં જોડાણો દિલ્હી, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને પંજાબ સુધી ફેલાયેલાં છે. ગુજરાત સહિત વિવિધ રાજ્યોમાં ડ્રગ્સની સપ્લાય કરવામાં આવતી હોવાની તપાસ ચાલી રહી છે.
ક્રાઈમ બ્રાન્ચ અને અન્ય તપાસ એજન્સીઓએ ડ્રગ્સના સપ્લાયર્સ, કેરિયર્સ અને સ્થાનિક સ્તરે તેની હેરાફેરી સાથે સંકળાયેલા લોકોની કડીઓ જોડવાની કામગીરી હાથ ધરી છે. ઝડપાયેલા આરોપીઓ પાસેથી મળેલી માહિતીના આધારે નેટવર્કના અન્ય સભ્યો સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
મોટા પ્રમાણમાં નાણાકીય વ્યવહારો થયા હોવાની આશંકાને પગલે પોલીસે નાણાંની હેરફેર, ક્રિપ્ટોકરન્સી મારફતે થતા વ્યવહારો અને નાર્કો-ટેરરિઝમના સંભવિત જોડાણની તપાસ માટે કેન્દ્રીય એજન્સીઓ સાથે સંકલન સાધ્યું છે.
હાલમાં ત્રણેય આરોપીઓની પૂછપરછના આધારે ડ્રગ્સના સ્ત્રોત, આંતરરાજ્ય સપ્લાય ચેઇન, નાણાકીય વ્યવહારો અને અન્ય સંડોવાયેલા લોકોની ભૂમિકા અંગે તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.