GFGNLનો ISP/TSP પ્રતિબંધ DBNના અનિવાર્ય નિર્દેશથી હોવાનો દાવો કોર્ટમાં સાબિત ન થયો, છતાં સ્વતંત્ર નીતિગત કારણોને આધારે શરતને માન્યતા; GTPLની અરજી ફગાવાઈ, ₹5 લાખનો દંડ
અભિષેક પાંડેય | અમદાવાદ
ગુજરાતમાં ભારતનેટ ફેઝ-3ના ટેન્ડરમાં ISP/TSP લાઇસન્સ ધરાવતી કંપનીઓને ભાગ લેતા અટકાવતી શરતને ગુજરાત હાઈકોર્ટે માન્ય ઠરાવી છે. જોકે, આ ચુકાદામાં ગુજરાત ફાઇબર ગ્રીડ નેટવર્ક લિમિટેડ (GFGNL)ની દલીલ સામે એક મહત્ત્વપૂર્ણ વહીવટી ખામી પણ બહાર આવી છે. GFGNLએ ટેન્ડરની આ પ્રતિબંધાત્મક શરતને Digital Bharat Nidhi (DBN)ના રાષ્ટ્રીય સ્તરે ફરજિયાત નિર્દેશનું પરિણામ ગણાવી હતી, પરંતુ કોર્ટ સમક્ષ એવો કોઈ ચોક્કસ આદેશ રજૂ કરી શક્યું નહોતું, જેમાં ISP/TSP લાઇસન્સધારકોને ટેન્ડરમાંથી બાકાત રાખવાનું અનિવાર્ય કરવામાં આવ્યું હોય.
આમ છતાં, હાઈકોર્ટે માત્ર આ ખામીને આધારે સમગ્ર ટેન્ડર પ્રક્રિયા રદ કરવાનો ઇનકાર કર્યો હતો. અદાલતના મતે, ISP/TSP કંપનીઓને બહાર રાખવા પાછળ BSNLની સમિતિના અહેવાલ અને GFGNLના બોર્ડની બેઠકોના કાર્યવૃત્તમાં સ્વતંત્ર નીતિગત આધાર ઉપલબ્ધ હતો. સંભવિત હિતોના ટકરાવ અને નેટવર્કના સંચાલનમાં નિષ્પક્ષતા જાળવવાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને કોર્ટે આ શરતને યોગ્ય ઠેરવી હતી.
વાંચો: એપિસોડ-1: ભવ્ય વિઝન સામે જમીની હકીકત
આ ચુકાદામાં અદાલતે બે અલગ મુદ્દાઓ વચ્ચે સ્પષ્ટ ભેદ રાખ્યો છે. પ્રથમ, DBNએ ખરેખર આવો પ્રતિબંધ ફરજિયાત બનાવ્યો હતો કે નહીં અને બીજો, DBNના આવા આદેશ વિના પણ GFGNL પોતાની નીતિગત જરૂરિયાતોના આધારે આવી શરત મૂકી શકે કે નહીં. પ્રથમ મુદ્દે GFGNLનો દાવો પુરાવાના અભાવે સાબિત થયો નહોતો, જ્યારે બીજા મુદ્દે અદાલતે GFGNLની દલીલ સ્વીકારી હતી.
કાર્યકારી મુખ્ય ન્યાયમૂર્તિ મનાશ રંજન પાઠક અને ન્યાયમૂર્તિ નિખિલ એસ. કરિયલની ખંડપીઠે GTPL હેથવે લિમિટેડની અરજી ફગાવી દીધી હતી. ચુકાદો ન્યાયમૂર્તિ કરિયલે લખ્યો હતો. કોર્ટે GTPLને ગુજરાત હાઈકોર્ટ લીગલ સર્વિસિસ ઓથોરિટીમાં ₹5 લાખ જમા કરાવવાનો આદેશ પણ આપ્યો હતો.
DBNના ફરજિયાત આદેશનો દાવો પુરાવાના અભાવે ટક્યો નહીં
આ વિવાદમાં GFGNL દ્વારા 4 ઓગસ્ટ, 2026ના રોજ બહાર પાડવામાં આવેલા Corrigendum-5ની ભૂમિકા મહત્ત્વપૂર્ણ રહી હતી.
GTPLએ 17 જૂનના રોજ ISP/TSP પ્રતિબંધ સામે વાંધો ઉઠાવ્યો હતો. ત્યારબાદ 18 જૂને યોજાયેલી પ્રી-બિડ બેઠકમાં પણ આ શરત દૂર કરવાની અથવા તેમાં ફેરફાર કરવાની માગણી કરી હતી. જોકે, GFGNLએ Corrigendum-5 મારફતે સ્પષ્ટ કર્યું હતું કે આ શરતમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં, કારણ કે Amended BharatNet Programme (ABP)ના માળખા હેઠળ DBN દ્વારા રાષ્ટ્રીય સ્તરે આ પ્રતિબંધ ફરજિયાત કરવામાં આવ્યો છે.
GTPLએ હાઈકોર્ટમાં આ દાવાને પડકારતાં જણાવ્યું હતું કે આવો કોઈ ચોક્કસ DBN નિર્દેશ રેકોર્ડ પર ઉપલબ્ધ નથી. કંપનીએ એવી દલીલ પણ કરી હતી કે DBNએ BSNLના ડ્રાફ્ટમાં સમાવાયેલી સંબંધિત શરતને પોતે પ્રતિબંધાત્મક ગણાવી હતી.
આ મુદ્દે હાઈકોર્ટે GTPLની દલીલને મર્યાદિત હદે સ્વીકારી હતી. ખંડપીઠે નોંધ્યું હતું કે GFGNL એવો કોઈ ચોક્કસ DBN આદેશ રજૂ કરી શક્યું નથી, જેમાં ISP/TSP લાઇસન્સધારકોને ટેન્ડરમાં ભાગ લેતા રોકવાનું ફરજિયાત કરવામાં આવ્યું હોય. DBNની વેબસાઇટ પર RFP તૈયાર કરવામાં BSNL સાથે સંકલન કરવામાં આવ્યું હોવાના ઉલ્લેખને પણ કોર્ટે આવા ફરજિયાત નિર્દેશનો પુરાવો માનવાનો ઇનકાર કર્યો હતો.
આથી, GFGNLએ પ્રતિબંધના સમર્થનમાં રજૂ કરેલો DBNના અનિવાર્ય આદેશનો આધાર અદાલત સમક્ષ સાબિત થઈ શક્યો નહોતો. જોકે, કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે માત્ર આ પ્રક્રિયાગત ખામીને આધારે સમગ્ર ટેન્ડર પ્રક્રિયા રદ કરી શકાય નહીં. પ્રતિબંધને સમર્થન આપતાં અન્ય સ્વતંત્ર વહીવટી અને નીતિગત કારણો પણ રેકોર્ડ પર ઉપલબ્ધ હતાં.
10 વર્ષના નેટવર્ક સંચાલન પાછળ હિતોના ટકરાવની દલીલ
GFGNLએ 4 જૂન, 2026ના રોજ ભારતનેટ ફેઝ-3 હેઠળ પ્રોજેક્ટ ઇમ્પ્લિમેન્ટિંગ એજન્સી (PIA)ની પસંદગી માટે Request for Proposal (RFP) બહાર પાડ્યું હતું. તેની કલમ 3.1(10) હેઠળ ગુજરાત લાઇસન્સ સર્વિસ એરિયામાં ISP/TSP લાઇસન્સ ધરાવતી કંપનીઓને બિડિંગ પ્રક્રિયા માટે અયોગ્ય જાહેર કરવામાં આવી હતી.
આ પ્રતિબંધ માત્ર સીધું લાઇસન્સ ધરાવતી કંપનીઓ પૂરતો મર્યાદિત નહોતો. Format XX હેઠળના સોગંદનામામાં બિડરોએ જાહેર કરવાનું હતું કે તેમની પાસે આવું લાઇસન્સ નથી, લાઇસન્સ ધરાવતી કંપનીમાં તેમની 50 ટકાથી વધુ ભાગીદારી નથી, કોઈ લાઇસન્સધારક કંપનીની તેમનામાં 50 ટકાથી વધુ ભાગીદારી નથી અને તેઓ આવી કોઈ કંપનીની પેટાકંપની નથી.
GTPLની સંપૂર્ણ માલિકીની પેટાકંપની પાસે ગુજરાતનું ISP લાઇસન્સ હોવાથી GTPL પણ આ પ્રતિબંધના દાયરામાં આવી ગઈ હતી.
રાજ્ય તરફથી એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી અને GFGNL તરફથી સરકારી વકીલ જી.એચ. વિરકે આ શરતનો બચાવ કરતાં જણાવ્યું હતું કે પસંદ થનારી PIAને આગામી 10 વર્ષ સુધી નેટવર્કનું સંચાલન અને જાળવણી કરવાની જવાબદારી સોંપવાની છે. આ નેટવર્કનો ઉપયોગ અન્ય ISP કંપનીઓ પણ કરવાની હોવાથી તેના સંચાલનની જવાબદારી ISP સાથે સંકળાયેલી કંપનીને સોંપવામાં આવે તો હિતોના ટકરાવની સ્થિતિ ઊભી થઈ શકે છે.
સરકારની દલીલ મુજબ, આવી કંપની નેટવર્કમાં ખામી સર્જાય ત્યારે તેને દૂર કરવાની પ્રાથમિકતા નક્કી કરવામાં, સેવાઓના વિતરણમાં અથવા નેટવર્કની ક્ષમતા અને સંચાલન સંબંધિત સંવેદનશીલ માહિતીના ઉપયોગમાં સ્પર્ધાત્મક લાભ મેળવી શકે છે.
હાઈકોર્ટે આ દલીલ સ્વીકારી હતી. અદાલતે જણાવ્યું હતું કે હિતોના સંભવિત ટકરાવને શરૂઆતથી જ અટકાવવા માટે લાયકાતના તબક્કે પ્રતિબંધ મૂકવો અને કરાર થયા પછી નિયમભંગ બદલ દંડાત્મક કાર્યવાહી કરવી, બંને અલગ બાબતો છે. ટેન્ડરમાં દંડની જોગવાઈ હોવાના કારણે લાયકાત સંબંધિત પ્રતિબંધ બિનજરૂરી બની જતો નથી.
ગુજરાતના મોડેલમાં BSNLની શરત લાગુ કરવા સામે GTPLનો વાંધો
GTPLએ માત્ર DBNના આદેશનો મુદ્દો જ નહીં, પરંતુ BSNLના ટેન્ડરમાંથી લેવામાં આવેલી શરત ગુજરાતના રાજ્યસ્તરીય મોડેલમાં લાગુ કરવાના નિર્ણયને પણ પડકાર્યો હતો.
કંપનીના વરિષ્ઠ વકીલોએ દલીલ કરી હતી કે ISP/TSP લાઇસન્સધારકોને બહાર રાખવાની શરત BSNLના RFPમાંથી લેવામાં આવી હતી. આ RFP એવા 16 રાજ્યો માટે હતું, જ્યાં BSNL પ્રોજેક્ટ ઇમ્પ્લિમેન્ટિંગ એજન્સી તરીકે કાર્યરત હતું. ગુજરાતમાં રાજ્યના નેતૃત્વ હેઠળનું મોડેલ અમલમાં હોવાથી અહીંની જરૂરિયાતો અલગ હતી.
GTPLએ 9 જાન્યુઆરી, 2025ના DBNના ઓફિસ મેમોરેન્ડમનો આધાર આપતાં જણાવ્યું હતું કે GFGNLને ગુજરાતની જરૂરિયાતો અનુસાર RFP તૈયાર કરવાની છૂટ આપવામાં આવી હતી.
કંપનીએ એ પણ ધ્યાન દોર્યું હતું કે જાન્યુઆરી, 2025માં બહાર પાડવામાં આવેલા પ્રથમ ટેન્ડરમાં આવો કોઈ પ્રતિબંધ નહોતો. GTPL ભારતનેટ ફેઝ-2 હેઠળ ગુજરાતમાં એક પેકેજનું કામ પૂર્ણ કરી ચૂકી હતી અને નેટવર્કનું સંચાલન પણ કરી રહી હતી. આવી સ્થિતિમાં અગાઉના તબક્કામાં કામ કરી ચૂકેલી કંપનીને નવા ટેન્ડરમાંથી બાકાત રાખવા પાછળ કોઈ નક્કર આધાર નથી, એવી દલીલ કરવામાં આવી હતી.
જોકે, હાઈકોર્ટે આ દલીલો સ્વીકારી નહોતી. અદાલતે નોંધ્યું હતું કે ભારતનેટનું નેટવર્ક BSNLના હાલના ફાઇબર નેટવર્ક પર આધારિત છે. આવા સંજોગોમાં જે કંપની એ જ વિસ્તારમાં ISP/TSP સેવાઓ પણ પૂરી પાડતી હોય તેને નેટવર્કના સંચાલનની જવાબદારી સોંપવાથી સ્પર્ધાત્મક નિષ્પક્ષતા સામે જોખમ ઊભું થઈ શકે છે.
કોર્ટે એ પણ નોંધ્યું હતું કે આ પ્રતિબંધ માત્ર તે લાઇસન્સ સર્વિસ એરિયા પૂરતો મર્યાદિત છે, જ્યાં સંબંધિત કંપની પાસે લાઇસન્સ હોય. તેથી આ વર્ગીકરણને બંધારણની કલમ 14 હેઠળ મનસ્વી કે ભેદભાવપૂર્ણ ગણાવી શકાય નહીં. ભારતનેટ ફેઝ-2માં GTPLનું અગાઉનું સારું પ્રદર્શન પણ ફેઝ-3ની લાયકાતની શરતને ગેરવાજબી ઠરાવવા માટે પૂરતું નથી, એવું કોર્ટે માન્યું હતું.
અગાઉની નિષ્ક્રિય સંમતિ અને અરજી કરવામાં થયેલો વિલંબ પણ નડ્યો
GTPLની અરજી ફગાવવામાં ટેન્ડરની શરતની કાયદેસરતા ઉપરાંત કંપનીના અગાઉના વલણ અને હાઈકોર્ટનો દરવાજો ખખડાવવામાં થયેલા વિલંબને પણ મહત્ત્વ આપવામાં આવ્યું હતું.
GFGNLએ 4 ઓગસ્ટ, 2026ના Corrigendum-5 મારફતે GTPLની માગણી ફગાવી હતી. ત્યારબાદ આશરે 59 દિવસ પછી, બિડ રજૂ કરવાની અંતિમ તારીખ નજીક આવી ત્યારે કંપનીએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. આ દરમિયાન ટેન્ડરની અંતિમ તારીખ છ વખત લંબાવવામાં આવી હતી.
ખંડપીઠે આ સમયક્રમની નોંધ લેતાં જણાવ્યું હતું કે કંપનીને સંજોગવશાત્ મળેલી તકનો લાભ લઈને આ તબક્કે વિવાદ ઊભો કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત, કોર્ટે જૂન 2025માં BSNLની ટેન્ડર પ્રક્રિયામાં GTPLના કન્સોર્ટિયમની ભાગીદારીને પણ ધ્યાનમાં લીધી હતી. કંપનીના કન્સોર્ટિયમે પેકેજ નંબર 10 (હરિયાણા) અને પેકેજ નંબર 11 (NER-1) માટે બિડ કરી હતી. આ બંને ટેન્ડરમાં પણ આવી જ પ્રતિબંધાત્મક શરત હતી.
નિર્ધારિત સોગંદનામું રજૂ ન કરવાના કારણે GTPLની બિડ નોન-રિસ્પોન્સિવ જાહેર કરવામાં આવી હતી. આમ છતાં, તે સમયે કંપનીએ આ શરતને પડકારી નહોતી.
હાઈકોર્ટે આ વલણને શરત પ્રત્યેની નિષ્ક્રિય સંમતિ (Acquiescence) તરીકે ગણાવ્યું હતું. અદાલતના મતે, અગાઉ સમાન શરતનો સામનો કર્યા પછી તેને પડકારવામાં આવી નહોતી અને હવે ગુજરાતના ટેન્ડરમાં તેને લઈને વિવાદ ઊભો કરવામાં આવ્યો હતો.
કોર્ટે કોઈ ચોક્કસ કંપનીને નિશાન બનાવવા માટે શરત ઘડવામાં આવી હોવાના અથવા તેમાં દુર્ભાવના રહેલી હોવાના આક્ષેપો પણ સ્વીકાર્યા નહોતા.
ગ્રામીણ ડિજિટલ કનેક્ટિવિટીનું હિત આગળ ધરી હસ્તક્ષેપનો ઇનકાર
ચુકાદામાં હાઈકોર્ટે ભારતનેટ યોજનાના વ્યાપક જાહેર હિતને પણ મહત્ત્વ આપ્યું હતું.
સુપ્રીમ કોર્ટના Air India v. Cochin International Airport કેસના ચુકાદાનો ઉલ્લેખ કરતાં ખંડપીઠે જણાવ્યું હતું કે સરકારી ટેન્ડર પ્રક્રિયામાં માત્ર પ્રક્રિયાગત ખામી સામે આવે એટલા માત્રથી ન્યાયિક હસ્તક્ષેપ અનિવાર્ય બની જતો નથી. આવા કિસ્સામાં વ્યાપક જાહેર હિતને પણ ધ્યાનમાં લેવું જરૂરી છે.
આ ઉપરાંત, Just Rights for Children Alliance કેસના સુપ્રીમ કોર્ટના ચુકાદાનો ઉલ્લેખ કરીને અદાલતે ઇન્ટરનેટની પહોંચને બંધારણની કલમ 21 અને 19(1)(a) હેઠળના અધિકારોના સંદર્ભમાં જોઈ હતી.
કોર્ટના મતે, આ ટેન્ડર પ્રક્રિયામાં ન્યાયિક હસ્તક્ષેપ કરવાથી ગ્રામીણ વિસ્તારોમાં ડિજિટલ કનેક્ટિવિટી અને ઇન્ટરનેટ સુવિધાઓના વિસ્તરણમાં વિલંબ થઈ શકે છે. ભારતનેટ યોજનાના જાહેર મહત્ત્વને ધ્યાનમાં રાખીને GTPLની દલીલોના આધારે ટેન્ડર પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરવાનું યોગ્ય નથી, એવું ખંડપીઠે માન્યું હતું.
આખરે, હાઈકોર્ટે GTPLની અરજી ફગાવી દીધી હતી અને ગુજરાત હાઈકોર્ટ લીગલ સર્વિસિસ ઓથોરિટીમાં ₹5 લાખ જમા કરાવવાનો આદેશ આપ્યો હતો. ચુકાદા બાદ GTPL તરફથી બિડ રજૂ કરવાની અંતિમ તારીખ થોડા દિવસ લંબાવવાની માગણી પણ કરવામાં આવી હતી, પરંતુ કોર્ટે તે વિનંતી ફગાવી દીધી હતી.
Read in English : Episode 1: Grand Vision, Ground Reality